Search This Website

Friday 7 October 2022

ગુજરાતના પ્રસિદ્ધ સ્થળે માતાજીને વર્ષમાં એક જ વાર પહેરાવાય છે 300 કરોડનો હાર, અનેરું છે મહાત્મ્ય

મા ને શણગાર / ગુજરાતના પ્રસિદ્ધ સ્થળે માતાજીને વર્ષમાં એક જ વાર પહેરાવાય છે 300 કરોડનો હાર, અનેરું છે મહાત્મ્ય

દશેરાના દિવસે બહુચરાજીમાં 300 વર્ષની પરંપરા અકબંધ રહી હતી. જેમા માતાજીને 300 કરોડના નવલખા હારનો શણગાર કરી ઉજવણી કરવામા આવી હતી.



  • બહુચરાજીમાં 300થી વધુ વર્ષની પરંપરા અકબંધ
  • માતાજીને 300 કરોડના નવલખા હારનો શણગાર
  • માનાજીરાવ ગાયકવાડે આપી હતી ભેટ

મહેસાણાના બેચરાજી ખાતે આવેલા બહુચરાજી મંદિરની વાત આવે ત્યારે નવલખા હારનું નામ અચૂક લેવાય છે. અમૂલ્ય નીલમ અને માણેકની જડાયેલો આ હાર વર્તમાન સમયમાં ગુજરાતના તમામ મંદિરોમાં સૌથી મોઘુ આભૂષણ છે. સાડા ત્રણસૌ વર્ષ પૂર્વે ગાયકવાડ દ્વારા માતાજીને ભેટ ધરાયેલા આ હારની તે વખતે કિંમત નવ લાખ રૂપિયા હતી.વર્તમાન સમયમાં આ હારનું મૂલ્ય 300 કરોડ રૂપિયાને આંબી ગયુ છે અને આ હકીકત મંદિરે હારની વર્તમાન સમયમાં કરાવેલી વેલ્યુશનને આધારે સ્પષ્ટ થઇ છે. વર્ષમાં એક જ દિવસ આ હાર દશેરાના દિવસે બહાર કાઢવામાં આવે છે. છેલ્લા ૧૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ માતાજીને દશેરાના દિવસે આ હાર પહેરાવી પરંપરા જાળવવામા આવી હતી.




સલામતીના કારણોસર હાર માતાજીના અલંકારોમાંથી રહે છે બાકાત

બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નીતનવીન આભૂષણ પહેરાવાની ગાયકવાડ સમયથી પ્રલાણી ચાલી આવે છે. પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઇ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે. સાડા ત્રણસો વર્ષ પૂર્વેથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે. વર્તમાન સમયમાં રૂપિયા 300 કરોડનું બજાર મૂલ્ય ધરાવતો આ હાર સલામતીના કારણોસર વર્ષ દરમિયાન માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે. પરંતુ દશેરાના દિવસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ હાર માતાજીને પહેરાવાની ત્રણસો વર્ષથી ચાલી આવતી પરંપરાને મંદિર યથાવત રાખી છે.





માનાજીરાવ ગાયકવાડે રોગ મટી જતાં માતાજીને નવલખો હાર ભેટ આપ્યો હતો

ત્રણસો વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડે પાઠાનો રોગ મટી જતાં માતાજીને નવલખો હાર ભેટ આપ્યો હતો. આ હારનું તે વખતે મૂલ્ય નવ લાખ રૂપિયા હતુ. આ કારણોસર તે હારને નવલખો હાર નામ અપાયુ હતુ. પણ સમય જતાં આ હારનું મૂલ્ય વધતુ ચાલ્યુ અને આજે તેની બજાર કિંમત રૂપિયા 250 થી 300 કરોડને આંબી ગઇ છે. આ હારની વિશેષતા એ છે કે, પ્રથમ નજરે જોવામાં આવે તો હાર સામાન્ય લાગે છે. પરંતુ લીલા,વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર જ્યારે નજીક જઇને જોવામાં આવે ત્યારે તે કઇક અલગ જ લાગે છે. હારમાં ઝડાયેલા નીલમ પૈકી પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં છે. જો કે,આવનાર લોકો આ હાર જોઇને અચંબિત થઇ જાય છે અને સૌ કોઇના મોઢે માત્ર નવલખા હારની જ વાત હોય છે.